Kite Flying Ban: ગુજરાતનું એવું ગામ કે જ્યાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે, નિયમનો ભંગ કરનારને ફટકારાય છે મોટો દંડ
Kite Flying Ban In Fatepura: ગુજરાતના બનાસકાંઠાનું એક ગામ એવું છે કે જ્યાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે. અહીં ઉત્તરાયણ પર રાજ્યના બાકી ભાગો કરતા અલગ માહોલ જોવા મળે છે. જો કોઈ પ્રતિબંધનો ભંગ કરે તો દંડ પણ ફટકારવામાં આવે છે.
કિશોર તુવર, બનાસકાંઠા: ઉત્તરાયણમાં ગુજરાતનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું છે ત્યારે રાજ્યનું આ એક ગામ એવું છે કે જ્યાં પતંગ ચગાવવામાં આવતા નથી, તેની પાછળનું કારણ એ છે કે અહીં પતંગ ચગાવવા પર પ્રતિંબધ લાદવામાં આવ્યો છે. બનાસકાંઠાનું ફતેપુરા ગામ કે જ્યાં કોઈ પતંગ ચગાવતું નથી. જો ગામમાં વર્ષો પહેલા બનાવેલા નિયમની વિરુદ્ધમાં જઈને કોઈ પતંગ ચગાવે તો દંડ પણ ફટકારવામાં આવે છે. આ ગામમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું તે પાછળનું કારણ પણ ચોંકાવનારું છે.
બનાસકાંઠાના ધાનેરામાં આવેલા ફતેપુર ગામમાં જો કોઈની ઈચ્છા હોય તો પણ તે વ્યક્તિ અહીં પતંગ ચગાવી શકતી નથી. આ ગામના વડીલો દ્વારા 1991માં આ નિયમ કરવામાં આવ્યો હતો, જો કોઈ નિયમની વિરુદ્ધમાં જઈને ગામમાં પતંગ ચગાવવાની કોશિશ કરે તો દંડ ફટકારવામાં આવે છે. જે દંડની રકમ રૂપિયા 11 હજાર રાખવામાં આવી છે અને તેની સાથે 5 બોરીનું ધર્માદુ પણ કરવું પડે છે.
ફતેપુર ગામના આગેવાન શંકરભાઇ પટેલ જણાવે છે કે, "આ ગામના ઘરોના ધાબા પર કઠેડા નથી, મકાન પાસેથી વીજળીના તાર પસાર થાય છે, આવામાં બીજા ગામોમાં સાંભળેલું છે કે કોઈ છોકરા પતંગ ચઢાવવા જાય તો ધાબા પરથી પડી ગયા હોય, કોઈ કૂવામાં પડ્યા હોય, કોઈને કરંટ લાગ્યો હોય જેથી ગામમાં પતંગ ચગાવવા પર પ્રતિંબધ મૂકવામાં આવ્યો છે. પતંગની દોરીના કારણે બાઈક પર જનારાઓને ગળા કપાય, પક્ષીઓઓ મરી જાય તેના કારણે વડીલોએ લગભગ 1991થી નિયમ કરેલો કે પતંગ ચગાવવો નહીં. જે પછી આ ગામની પરંપરા બની ગઈ છે અને તેનું પાલન કરીએ છીએ."
ગામના માજી સરપંચ વનભાઈ પટેલ જણાવે છે કે, "ગામમાં 20 વર્ષથી પતંગ ચગાવવાનું બંધ છે. પતંગ ચગાવવાથી નુકસાન થતું હતું, જેથી ગામમાં કોઈ પતંગ ચગાવે તો 11 હજાર રૂપિયાનો દંડ કરીએ છીએ. યુવાનો અને બાળકો પણ ગામ દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું પાલન કરવામાં આવે છે.
ગામના યુવક ડાયાભાઈ ચૌધરી જણાવે છે કે, ગામમાં પતંગ ચગાવવા પર પ્રતંબધ છે અને એ કારણથી ગામમાં લોકો પતંગ ચગાવતા નથી અને દિવસ દરમિયાન છોકરા ક્રિકેટ રમે છે અને ગામના લોકો પોતાનો દિવસ ગાયને ચાર ખવડાવવા સહિતના પુણ્યના કામો કરે છે. પતંગના કારણે નુકસાન થતું હતું તેને અટકાવવા માટે આ નિયમ લેવામાં આવ્યો છે.
પ્રતિબંધના કારણે ગામની પાસેથી પસાર થનારા લોકોને પણ આંચકો લાગે છે, કારણ કે અહીં ઉત્તરાયણના તહેવાર પર આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળતા નથી. ગામના લોકો પણ પતંગ પર મૂકવામાં આવેલા પ્રતિબંધનો સાથ આપે છે. પશુ-પક્ષીઓને તથા માણસોને પતંગની દોરીથી નુકસાન ના થાય તેનું પણ આ ગામમાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
No comments:
Post a Comment